કરકસર

કરકસર


“ના, આ સાવરણીના હું તો રૂપિયા વીસ જ આપીશ.” અરુણાબહેન, ઘેર ઘેર ફરીને સાવરણી વેચતી એક બહેન પાસે ભાવ બાબત રકઝક કરતાં હતાં.

“પણ બહેન, આવા ધોમ તડકામાં અમે ઘેર ઘેર ફરીને અમારા પેટના રોટલા કાઢીએ છીએ, અમને એક સાવરણીની પાછળ માંડ પાંચ રૂપિયા પણ મળતા નથી તેમાં તમે પચીસ ને બદલે રૂપિયા વીસ આપો તો કેમ ચાલે?” સાવરણી વેચવાવાળી બહેન પોતાની વેદના ઠાલવતી હતી.

એ બહેન પોતાની વાત કરતી હતી એ વખતે જ અરુણાબહેનના મોબાઈલ ની રિંગ વાગી, અરુણાબહેને મોબાઈલ ઓન કર્યો અને બોલ્યાં: “થોભ બહેન, મારા દીકરાનો ફોન છે, વાત કરી લઉં. તને પોસાય તો આપજે નહિતર કાંઈ નહીં.”કહી અરુણાબહેને તેના પુત્રને “હલ્લો બેટા, કેમ છો તું? ”એવું પૂછ્યું.

સામેથી અરુણાબહેનના પુત્ર કેયુરનો અવાજ આવ્યો, “શેની રકઝક કરો છો, મા?”કેયુર ઑસ્ટ્રેલિયા ગયો હોવા છતાં ભારતીય રિવાજ ભૂલ્યો નહોતો, તેથી ‘મમ્મી’ શબ્દને બદલે ‘મા’જેવો સ્નેહ નીતરતો શબ્દ વાપર્યો હતો.

“જોને સાવરણી વેચવાવાળી એક બહેન આવી છે. એ રૂપિયા પચીસ કહે છે, જ્યારે હું એ સાવરણીના રૂપિયા વીસ કહું છું પણ માનતી નથી.”અરુણાબહેને પ્રસંગનું વર્ણન કર્યું.

સાવરણી વેચવાવાળી બહેન કાળઝાળ ગરમી અને તડકાની વચ્ચે સાવરણી ઘેર ઘેર ફરીને વેચે છે, એવું કેયૂરે અરુણાબહેને ફોન ઑન કર્યો ત્યારે સાંભળી લીધું હતું.

પ્રવીણભાઈ એસ.ટી. માં કંડક્ટર હતા. પગારની તારીખે થોડા રૂપિયા પોતાની પાસે રાખી અને બાકીના રૂપિયા પત્ની અરુણાબહેનને આપી દેતા.આ પગારમાં તેઓ કરકસર કરી ઘર ચલાવતાં. લગ્નજીવનમાં તેઓને બે પુત્રી અને એક પુત્રની ભેટ મળી. બંને ઠીકઠીક ભણેલાં, પણ પોતાના સંતાનો પુત્ર હોય કે પુત્રી- જરૂર ઉચ્ચ દરજ્જાનું ભણાવવું જોઈએ તેવું માનતા હતા. તેથી યૅન કેન પ્રકારેણ ત્રણેયને કૉલેજના ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડ્યાં, દીર્ઘદ્રષ્ટા અરુણાબહેન કરજ કર્યા વિના બે પાસા ગમે તેમ પૂરાં કરતાં રહ્યાં પણ બચતના નામે પોતાના સંતાનોની વિદ્યા જ પુરાંતમાં હતી.

કાળનું ચક્ર ફરતું જ રહ્યું. બંને પુત્રીઓને સરસ ઘરે પરણાવી. કેયૂર પણ ખૂબ જ સમજુ હતો. કૉલેજના ઉચ્ચ શિક્ષણનો બોજો માતાપિતા પર ન પડે તે માટે તે ટ્યુશન પણ ઘરે કરાવતો હતો. કેયૂરે માતા પાસેથી કરકસરના પાઠ બરાબર શીખી લીધા હતા.સાવ સાદાઈથી સૌ જીવતાં હતાં તેમ કરતાં કેયૂરે થોડી બચત ઊભી કરી લીધી હતી. એવામાં તેને ઑસ્ટ્રેલિયામાં સારી એવી ઑફર મળી અને થોડી કરેલી બચત દ્વારા એ ઑસ્ટ્રેલિયા ઊપડી ગયો.

ઑસ્ટ્રેલિયામાં પણ તેણે કરકસરના પાઠને વાગોળવાનું ચાલુ જ રાખ્યું હતું આથી બચતમાંથી દર મહિને નિયમિત રીતે કેયૂર પિતાના ખાતામાં પાંચ આંકડાની રકમ મોકલતો રહ્યો. ક્યારેક છ આંકડાની પણ રકમ હોંશથી મોકલી શકતો.

સાવરણી વેચવાવાળી બહેન આવી અને એ વેળા જ કેયૂરનો ફોન પણ આવતાં તેણે સાવરણી વેચવાવાળી બહેન અને અરૂણાબહેનની રકઝક સાંભળી હતી.આ વાતના અનુસંધાને જ કેયૂરે ફોનમાં કહ્યું:

“મારી મા, શા માટે આવી કાળઝાળ ગરમીમાં બટકુ રોટલો મેળવતાં બહેનને સતાવી રહી છો? તેની પાસેથી પાંચ રૂપિયા ઓછા અપાવીને તું કોઈ મેડી ચણાવી શકીશ?માડી,તેં પણ ગરીબાઈ જોઈ છે, તો આજે પ્રભુકૃપાએ આપણે પાંચ રૂપિયાની શી કિંમત છે? તેં બે દાયકા કેવા વિતાવ્યા છે? તો આવા પેટિયું કાઢતા લોકોને મદદરૂપ થવું જોઈએ. જો સાંભળી લે,એ બહેનને પચીસ ને બદલે ત્રીસ રૂપિયા આપજે અને બપોરે ભરપેટ જમાડજે.”એવું સાંભળતાં અરુણાબહેન રડી પડ્યાં,“હા બેટા એ બહેનને ત્રીસ રૂપિયા આપીશ અને સારી વાનગી જમાડીશ પણ ખરી.”

“કેમ રડો છો,બહેન?”સાવરણી વેચવાવાળી બહેને પ્રશ્ન કર્યો.

“બહેન, સૌ પહેલાં તો ઘરમાં આવ. તને રૂપિયા પચીસ નહીં સાવરણીના રૂપિયા ત્રીસ આપવાનું અને તને જમાડીને જ મોકલવાની વાત મારા દીકરાએ કરી છે.”

અને અરુણાબહેને કેયૂર સાથે થયેલી વાત માંડીને કરી ત્યારે સાવરણી વેચવાવાળીબહેન પણ રડી પડી અને સાવ સાચા અંતરના આશીર્વાદ આપતા બોલી:

“બહેન તમારા દીકરા જેવા સૌને દીકરા ભગવાન આપે અને તમારો દીકરો સો વર્ષનો થાય. ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *