કપાળે
બટકવું, ભટકવું લખાયું કપાળે,
જુઓ, થોર જેવું વવાયું કપાળે.
હજું નાળ તોડી લીધો શ્વાસ ત્યાંતો,
નવું એક તાળું વસાયું કપાળે.
હથેળીની રેખાઓ તોડી પરંતુ,
પછી સાવ અટકી જવાયું કપાળે.
ઉલેચી ઉલેચી હજું માંડ બેઠાં,
ફરી ત્યાં સરોવર ભરાયું કપાળે.
અરીસો અભણ ને અભણ આંગળી છે,
અને કંઇક અઘરું છપાયું કપાળે.
—પારુલ ખખ્ખર