ઋણી છું
ખમે છે ભાર જે મારો હું એ કણકણનો ઋણી છું,
છતાં માતા, પિતા, શિક્ષક, વિશેષ એ ત્રણનો ઋણી છું.
મળ્યું વર્ષો પછી તો જળ મને અમૃત લાગ્યું છે,
તરસ મારી વધારી છે સતત એ રણનો ઋણી છું.
ભલે છૂટાંછવાયાં છે છતાં રેખાને જોડે જે.
સીધી લીટીમાં રહેનારા એ બિંદુગણનો ઋણી છું.
કહ્યું’તું જેમણે કે મને કંઈ પણ નહીં આપે,
રહી છે આબરૃ તો એમના ‘કંઈ પણ’નો ઋણી છું.
મેં ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ઋણી છું.
– સંદિપ પુજારા