આવો, જિંદગીને વધુ સારી બનાવીએ!

આવો, જિંદગીને વધુ સારી બનાવીએ!

happiness
આપણે સૌ ખુશ રહેવા માગીએ છીએ, પરંતુ રોજબરોજના તણાવ, દોડધામ અને અપેક્ષાઓના દબાણમાં ફસાઈને શાંતિ અને સુખચેન ગુમાવી દઈએ છીએ. આપણે આનંદને બાહ્ય વસ્તુઓમાં શોધવાને બદલે પોતાના લોકોની ખુશીઓ પર ફોકસ કરવાનું, ખુદને પ્રેમ કરવાનું, દરેક સ્થિતિમાં સંતુષ્ટ રહેવાનું શીખવું પડશે. જ્યાં ખુશી છે ત્યાં જ હંસી અને સ્વાસ્થ્ય છે.
સદીઓથી સંત, ગુરુ, નિષ્ણાતો કહેતા જ આવ્યા છે કે ખુશ રહેવા માટે કૃતજ્ઞ બનો. કૃતજ્ઞતા એવો અણમોલ ગુણ છે, જે તમને માત્ર સારો માણસ જ નથી બનાવતો, બલકે તમારી આસપાસના લોકોને પણ સારી અનુભૂતિ કરાવે છે. માત્ર તમારાં સગાં-સંબંધીઓનો જ નહિ, બલકે મિત્રો, પાડોશીઓ, સહકર્મીઓ, તમારા માટે કામ કરનારા ડ્રાઇવર, ગાર્ડ, પોલીસ વગેરેનો પણ આભાર માનવાનું ન ચૂકશો, તેમનું મન ખીલી ઊઠશે.
બીજો ગુણ છે સ્વીકાર. તમારી આજુબાજુના લોકો, સંજોગો, જીવનશૈલનો સ્વીકાર કરવાથી તણાવ ઓછો થાય છે. આપણે જે હોય તેને એવું જ સ્વીકારવા માનસિક તૈયારી રાખવી પડે. આપણી મરજી મુજબનું બધું હોય, દરેક સ્થિતિ આપણા નિયંત્રણમાં હોય, એવું ન પણ બને. આ બાબતોથી વિચલિત ન થવું.
સમસ્યાઓ પર નિયંત્રણ મેળવવા, ક્રોધને જીતવા, પીડાને દૂર કરવા અને પશ્ચાત્તાપથી બચવાનું સૌથી મોટું શસ્ત્ર છે ક્ષમા. પ્રસિદ્ધ દાર્શનિક કન્ફ્યૂશિયસે કહેલું કે કોઈનું ખરાબ ઇચ્છવું કે કોઈને અન્યાયનો ભોગ બનાવવા, એટલું કષ્ટદાયક નથી હોતું, જેટલું મનમાં અને મનમાં અણગમતી વાતને ઘૂંટ્યા કરવી. આવી નકારાત્મક લાગણીથી બચવાનો એક જ માર્ગ છે – ક્ષમા.
અહંકારને પણ દફન કરી દેવો જોઈએ. માથે ખોટો ભાર ન રાખવો. સામે ચાલીને લોકોને મળો અને જુઓ કે જિંદગી કેવી હળવીફૂલ જેવી બની જાય છે. અહંકારની જેમ અપેક્ષાઓથી પણ બચવું જોઈએ.
અંગ્રેજીમાં એક કહેવત છે, Fake it until you make it. જી હા, હાસ્ય નકલી ભલે હોય, પણ ત્યાં સુધી હસતાં જ રહો જ્યાં સુધી હસતા રહેવાની તમને આદત ન પડી જાય. કહેવાય છે કે હાસ્ય ચેપી હોય છે, જેટલું ફેલાવશો એટલું તે ફેલાતું જ જશે. તમે હસો ત્યારે સૌ કોઈ તમને સાથ આપે છે, રડનારાની સાથે કોઈને રહેવું ગમતું નથી. હાસ્ય સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ ઉપચાર છે. હાસ્ય તમને સદા યુવાન રાખશે. હાસ્યથી તમારા વ્યક્તિત્વમાં નિખાર, ચહેરામાં કાંતિ, શરીરમાં રક્તનો સુચારુ સંચાર થાય છે. ચીની કહેવત છે કે જો તમે હસી શકતા ન હોય તો તમારી દુકાન બંધ કરી દો!
આજના મલ્ટીટાસ્કિંગવાળા સમયમાં દરેક ઘર, પરિવાર, ઑફિસનાં કામોમાં ભાગદોડ રહે છે. કહેવાય છે કે દોડવા માગતા હોય તો ધીમે ચાલો. એવું કશું નથી, જેને રોકી ન શકાય. આપણે આપણાં જ નિર્ધારિત લક્ષ્ય, ટાર્ગેટ, સનકી ડેડલાઇન્સમાં ખુદને ડુબાડી દઈએ છીએ, કારણ કે સમયની દોડમાં કોઈ પણ પાછળ રહેવા માગતું નથી, પરંતુ કઈ કિંમતે? હૃદયરોગ, હાઇપર ટેન્શન, હાઇ બીપી કે અન્ય રોગ? સફળતા આનંદ આપે છે, પરંતુ કામ અને જીવનનું સંતુલન વધારે આનંદ આપે છે.  રોજ કમસેકમ 15 મિનિટનો સમય પોતાના માટે ફાળવો. આ દરમિયાન એમ જ આકાશમાં ઉડતાં પંખીઓને નિહાળો, સૂરજને ઊગતો અને આથમતો જુઓ કે દરિયા કિનારે ટહેલવા નીકળો, ચાંદતારાને નિહાળો, લહેરાતાં ખેતરો, વૃક્ષો પર નજર નાખો, મન પડે ત્યારે નાચો, ગાવ, ધ્યાન કરો કે પછી કંઈ પણ એવું કરો, જેમાં તમને મજા પડે. દર મહિને કે વર્ષમાં એકાદ-બે વાર બ્રેક અવશ્ય લેવો. કોઈ શોખ રાખવો, કંઈક નવું શીખવું, જેમાં જીવનમાં નવીનતા લાગે અને ઉત્સાહ ટકી રહે. તમે જિંદગી પાસેથી વધારે મેળવવાની આશા રાખતા હોય તો તેમાં વધારે રોકાણ પણ કરવું પડશે.
કહે છે કે Expectation is mother of tension. હા, અપેક્ષાઓ તણાવ-ચિંતાને જન્મ આપે છે. આપણે સતત પોતાની જાત પાસે અને અન્ય લોકો પાસે તમામ અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ અને તે જ્યારે પૂરી થતી નથઈ ત્યારે મુશ્કેલી, દુ:ખ અને બેચેની શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે આપણે ‘લેટ ગો’ની ભાવના રાખીએ અને પોતાની જાતને ‘ઑલ ઇઝ વેલ’ કહેતા શીખીએ. સંજોગો પર આપણું નિયંત્રણ નથી હોતું, બાબતો અને લોકો સાથે તાલમેળ એટલે કે એડજસ્ટ કરવાની આદત પાડવાથી જીવવું સરળ બને છે. નબળાઈઓને જાણવાની સાથે સાથે તમારી ખૂબીઓ અને સારાં પાસાંઓ પર પણ નજર ફેરવશો તો જિંદગીનો આનંદ વધી જશે. યોગ્ય સમયે ખાવું-પીવું, સૂવું-જાગવું, હરવું-ફરવું એટલે કે શિસ્તબદ્ધ જીવન માણસને દવાઓથી દૂર રાખે છે, વ્યક્તિની કાર્યક્ષમતા વધારે છે, ચુસ્ત-દુરસ્ત રાખે છે. તમારી જીવનશૈલીને સુનિયોજિત કરવાથી દરેક કામ માટે પૂરતો સમય મળી રહે છે અને દરેક કામ સમયસર થાય છે. વ્યક્તિ જ્યાં સુધી ખુદને મેનેજ ન કરી શકે ત્યાં સુધી મોટામાં મોટી કુશળતા કે ઊંડાણભર્યો અનુભવ પણ વ્યક્તિને પ્રભાવશાળી બનાવી શકતાં નથી.
આપણે કોઈની ખોદણી કરવામાં કોઈ કંજુસાઈ ન કરતાં હોઈએ તો પછી સારી બાબતોની પ્રશંસા શા માટે ન કરીએ? પ્રશંસા પ્રભુને પણ પ્યારી છે. કોણ છે, જેને વખાણ સાંભળવા ગમતા નથી? ઑફિસમાં, ઘરે, સોસાયટીમાં, માર્ગો પર જ્યાં પણ સારું લાગે ત્યાં તેનાં વખાણ કરવાનું ન ચૂકશો. સારું કામ કરનારને શાબાશી અને શુભેચ્છાઓ જરૂર આપો. આનાથી સામેવાળાનો દિવસ તો સુધરી જ જશે, તમારું હૃદય પણ ખીલી ઊઠશે. આ તો એક પરફ્યુમ જેવું છે, બીજા પર જેટલું છાંટશો તો તેના છાંટા તમારા પર પણ પડશે અને તમે પણ મહેકી ઊઠશો. હા, ખોટા વખાણ કે ચાપલુસી ક્યારેય ન કરવી. સામેવાળાને તરત એનો ખ્યાલ આવી જતો હોય છે. ખોટી ચાપલુસી કરનાની કોઈ વેલ્યૂ રહેતી નથી. અન્યોની ભલાઈ, સારા ગુણો, ખૂબીઓને ઓળખવી, સ્વીકારવી, એ સારા માણસ બનવાની દિશામાં ઉઠાવેલું પગલું છે.
આપણા 90 ટકા તણાવ આપણી 10 ટકાની અસાવધાની અને અવ્યવસ્થાને કારણે પેદા થાય છે. વ્યવસ્થિત બનો. વર્ષોથી ઉપયોગમાં ન આવી હોય એવી વસ્તુઓનો નિકાલ કરવો એટલે કે ડિક્લસ્ટર કરવું પણ જરૂરી છે. સાથે સાથે આપણા દિમાગને પણ  ડિક્લસ્ટર એટલે કે બિનજરૂરી ચિંતાઓ, ખ્યાલોથી મુક્ત કરવાનો સતત પ્રયાસ કરવો જરૂરી છે. તમારી સામે જ્યારે પણ એવી સ્થિતિ નિર્માય કે તમારી મદદથી સકારાત્મક પરિણામ મળી શકે છે ત્યારે આગળ વધીને મદદનો હાથ જરૂર લંબાવો. કોઈને પણ મુશ્કેલી કે આફતમાં જુઓ ત્યારે તેના તરફથી મોં ન ફેરવી લો. કંઈ નહીં તો પોલીસ, એમ્બ્યુલન્સ વગેરેને ફોન જરૂર કરો, જે કોઈની જીવાદોરીને લંબાવી શકે છે. બની શકે કે પછી તમે ખુદને એ માટે ક્યારેય માફ ન કરી શકો. હમણાં હમણાં એવા સમાચારો બહુ જોવા-વાંચવા મળે છે કે જ્યારે જાહેરમાં કોઈ મદદ માટે આજીજી કરતું હોય અને ટોળું તેને જોતું રહેતું હોય. જોકે, આની સાથે સાથે માનવતાનાં ઉદાહરણ સમી અગણિત ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. આવી સંવેદના અને માનવતા જ દુનિયાને એક સારી અને જીવવાલાયક જગ્યા બનાવે છે.
જિંદગી ઘણી નાની છે, તો શા માટે જીવનને કોઈ શરત વિના ગળે ન લગાડીએ? તમે જ્યારે તમારી જાતને અને આજુબાજુના માહોલને પ્રેમ કરો છો ત્યારે દરેક ક્ષણની કદર કરતાં શીખી જાવ છો. દરેક ક્ષણની કિંમત સમજાતાં જ વધુ ને વધુ ખુશી મેળવવી, એ જ તમારું લક્ષ્ય બની જાય છે અને જીવન ઉત્સવ બની જાય છે.
(દિવ્ય ભાસ્કર, “રસરંગ” પૂર્તિ, તા. ૦૧/૦૧/૨૦૧૬)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *