ગુજરાતી સુવિચાર

ગુજરાતી સુવિચાર

(૧)

“વેદ” વાંચવા સરળ છે
પણ
જે દિવસે તમે કોઈની
“વેદના”
વાંચી લીધી તો સમજી જજો
જીવન “સફળ” છે.

(૨)

ભરોસો બહુ ભારે
હોય છે ,

જે હર એક ના ખંભે
ન મૂકી શકાય ….✍️

(૩)

‘લંકા’ ના રાવણ કરતાં
પણ ‘શંકા’ નો રાવણ
ખતરનાક છે…

જે સમજ, શાંતિ અને
સંબંધો નુ હરણ કરી
જાય છે…!!

(૪)

વાણી થી માફ કરવા મા સમય નથી લાગતો,

પણ દિલ થી માફ કરવા મા જીંદગી નીકળી જાય છે….

(૫)

“ધીરજ” ધરી શકે એ ધાર્યું કરી શકે…

“સહન” કરે એ સર્જન કરી શકે..

” જતુ ” કરે એ જાળવી શકે… અને

” સ્વીકારી” શકે એ સમજી શકે….

(૬)

નામ, નસીબ અને નફો એ કુદરતનો ખેલ છે.
કોને ક્યારે શું આપવું એ ઉપરવાળો જ નક્કી કરે છે.
સંતોષ સાથે સુવું, અરમાન સાથે ઉઠવું અને સ્વમાન સાથે જીવવું એ જ સાચી જિંદગી.

(૭)

તમારુ સ્મિત તમારો લોગો છે..

તમારુ વ્યક્તિત્વ તમારુ બિઝનેસ કાર્ડ છે..

અને સાહેબ..

તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને..

એ તમારો ટ્રેડમાર્ક છે..

(૮)

હારી જવું એ ખોટું નથી
પણ હાર માની લેવી એ ખોટું છે,
કેમ કે પૂર્ણવિરામ એ અંત નથી પરંતુ
નવા વાક્યની શરૂઆત પણ છે !!

(૯)

તમે માત્ર નિમિત્ત છો…

તમને ઓપરેટ તો કોઈક બીજું જ કરે છે.

તમે કાંડે “ઘડિયાળ” બાંધી શકો.

“સમયને” નહિ..!!

(૧૦)

“ગુમાવ્યા” નો હિસાબ કોણ રાખે સાહેબ,
અહિં તો જે મળ્યું એમા “આનંદ” છે.

“માસિક આવક” કરતા “માનસિક આવક” બમણી કરો તો જ મોજ આવશે…!!!

વધુ સુવિચારો માટે મુલાકાત લેતા રહેજો… 

દૂધને માટે રોતા બાળક

દૂધને માટે રોતા બાળક

દૂધને માટે રોતા બાળક,

રો, તારા તકદીરને રો !!

એ ઘરમાં તું જન્મ્યું શાને ?

જે ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ, વ્યથા, પરિતાપ ફરજ છે,

ગમ, અશ્રુ, નિ:શ્વાસ ફરજ છે,

દૂધને માટે રોતા બાળક !

રો, તારા તકદીરને રો !!

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે,

નર્મ શયનમાં સાધન હોત,

મોટર મળતે, ગાડી મળતે,

નર્સનાં લાલનપાલન હોત,

સોના-રૂપાનાં ચમચાથી,

દૂધની ધારા વહેતી હોત;

તું રડતે તો પ્રેમની નદીઓ,

તોડી કિનારા વહેતી હોત,

પણ વીરાં દુર્ભાગ્ય હશે કે,

જન્મ તેં લીધો આ ઘરમાં,

ફેર નથી કંઇ જે ઘરના

ઇન્સાન અને જડ પથ્થરમાં

હાડ ને ચામના ખોખામાં તું,

દૂધના વલખાં મારે છે,

મહેનત નિષ્ફળ જતી દેખી,

રોઇને અશ્રુ સારે છે,

આ ઘરની એ રીત પુરાણી,

આદિથી નિર્માઇ છે,

મહેનત નિષ્ફળ જાય છે,

નિષ્ફળ જવાને સર્જાઇ છે;

વ્યર્થ રડીને ખાલી તારો

અશ્રુનો ભંડાર ન કર,

મોંઘામૂલાં એ મોતીનો,

દુરુપયોગ લગાર ન કર.

તન તોડીને જાત ઘસીને,

પેટ અવર ભરવાના છે.

શ્રમ પરસેવે રક્ત નિતારી

મ્હેલ ઊભા કરવાના છે.

એના બદલે મળશે ખાવા,

ગમને પીવા આંસુડાં;

લાગશે એવા કપરા કાળે,

અમૃત સરખાં આંસુડાં.

ભૂખ્યાં પેટ ને નગ્ન શરીરો,

એ તો છે દસ્તૂર અહીં,

ચેન અને આરામ રહે છે.

સ્વપ્ન મહીં પણ દૂર અહીં.

આ ઘરમાં તો એવી એવી

અગણિત વાતો મળવાની,

ભૂખના દા’ડા મળવાના ને

પ્યાસની રાતો મળવાની.

આ ઘરમાં ઉપવાસ ફરજ છે,

દર્દ, વ્યથા પરિતાપ ફરજ છે,

ગમ, અશ્રુ, નિ:શ્વાસ ફરજ છે,

આ ઘરમાં તું જન્મ્યું શાને ?

દૂધને માટે રોતા બાળક,

રો, તારા તકદીરને રો !!

– શૂન્ય પાલનપુરી

શૂન્ય પાલનપુરીને આપણે ગઝલકાર તરીકે જાણીએ છીએ. પાલનપુરની ભૂમિએ અનેક ગઝલકારો આપ્યા છે તેમાં શિરમોર નામ એટલે શૂન્ય પાલનપુરી. એક સમયે મુશાયરામાં દૂધને માટે રોતા બાળક આ કાવ્ય અચૂક તેમને રજૂ કરવું પડતું હતું.

બાળકને માટે દૂધ એ તો પાયાની જરૂરિયાત છે. દૂધ પીધા વગર બાળક કઇ રીતે ઉછરી શકે ! મોટું થઇ શકે ? જીવી શકે ? પણ એવા તો અસંખ્ય બાળકો હશે આ પૃથ્વી ઉપર જેમના ભાગ્યમાં દૂધ લખેલું નથી. કાં તો પછી એમ કહી શકાય કે દૂધ ઘણાં ધમપછાડા પછી માંડ મળે છે. શૂન્ય પાલનપુરી ખૂબ નાના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. કિશોર અવસ્થામાં શૂન્ય પાલનપુરી પાનનો કરંડિયો લઇને ઘેર ઘેર પાન વેચતા હતા. બાળપણથી જીવનનો સંઘર્ષ કરનાર શૂન્ય સાહેબનું આ કાવ્ય જાણે તેમના બાળપણના સ્મરણો સાથે જોડાયેલું છે.

દૂધને માટે રોતા બાળક જો તારે રડવું જ હોય તો તારા તકદીર ઉપર રડ, તારા નસીબ ઉપર રડ, તું એવા ઘરમાં શા માટે જન્મ્યું ? જ્યાં ફરજિયાત ઉપવાસ કરવા પડે છે. દર્દ, વ્યથા, દુ:ખ, આંસુ, નિસાસા એ બધું જાણે ફરજના ભાગ રૂપે મળેલું છે. દૂધને માટે રોતા બાળક તારે રડવું હોય તો તારી તકદીર ઉપર રડ.

અને હવે વાત કરે છે શ્રીમંત કુટુંબની. જ્યાં ફૂલો જેવું નાજુક પારણું હોત, હિંચકો હોત. સુંદર પથારી હોત. મોટરો હોત. દેખરેખ રાખનારી નર્સ કે આયા હોત. પાણી માંગે ને સોનાના કે ચાંદીના ચમચામાં દૂધ હાજર થતું હોત. જો તું ત્યાં રડત તો પ્રેમની નદીઓ કિનારાઓ તોડીને તારા માટે વહેતી હોત. પણ તું એવા ઘરમાં શું કામ જન્મ્યું? જે ઘરના માણસમાં અને પથ્થરમાં કોઈ ફેર નથી.

આ વાત કોઈ પારકું ક્રુર માણસ નથી કહેતું, મા પોતે કહી રહી છે. પોતાના શરીરમાં હાડકાં અને ચામડા રહ્યા છે. હાડકા અને ચામડાના ખોખામાં તું દૂધ માટે વલખા ના માર. તું નિષ્ફળ જાય છે એટલે રડી રહ્યું છે. પણ આ તો એવા ગરીબનું ઘર છે, જ્યાં મહેનત નિષ્ફળ જવા માટે જ સર્જાયેલી છે. તું નકામું રડીને તારા અશ્રુઓનો ભંડાર ખાલી ના કરી નાંખ. આંસુઓ તો તારા ખૂબ મોંઘા મોતી છે. એનો આવો દુરપયોગ ના કર. તું એવા ઘરમાં જન્મ્યું છે, જ્યાં શરીર તોડીને, જાત ઘસી નાંખીને કોઈ બીજાનું આપણે પેટ ભરવાનું હોય છે. પરસેવેથી નિતરીને કોઇને માટે મહેલ ઉભા કરવાના હોય છે.

આપણી કાળી મહેનતના બદલામાં ગમ ખાવાનો છે અને આંસુઓ પીવાના છે. કપરા સમયમાં આંસુ અમૃત જેવા મીઠાં લાગતા હોય છે. પેટ ભૂખ્યું અને શરીર ઉઘાડું રહે એ તો અહીંનો નિયમ છે. ચેન અને આરામ એ તો સપનામાં ય આવતા નથી. આવી તો અઢળક વાતો છે. તું આ ઘરમાં શા માટે જન્મ્યું ? જા, હવે તારા તકદીર ઉપર રડ.

શૂન્ય પાલનપુરીને મેં આ કવિતા રજૂ કરતા સાંભળ્યા છે. આપણને અંદરથી હચમચાવી નાંખે તેવું આ કાવ્ય છે. શૂન્ય પાલનપુરીનું મૂળ નામ છે અલીખાન ઉસ્માનખાન બલોચ. શરૂઆતમાં તે રૂમાની પાલનપુરીના નામે ઉર્દૂમાં શાયરી લખતા હતા. અમૃત ઘાયલે તેમને ગુજરાતીમાં ગઝલ લખતા કર્યા. અને અમૃત ઘાયલે જ તેમને ‘શૂન્ય’ એવું ઉપનામ આપ્યું. અને આમ ગુજરાતી ભાષાને શૂન્ય પાલનપુરી નામના ગઝલકાર મળ્યા. પોતાના નામને ભૂંસી નાંખનાર આ ગઝલકારે આ સંદર્ભમાં એક સુંદર શેર કહ્યો છે.

નામ નહીં તો ઠામનું બંધન,

શૂન્ય થયો પણ પાલનપુરી.

–  રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, “શબ્દ સૂરને મેળે” કોલમ, ગુજરાત સમાચાર, શતદલ પૂર્તિ, તા.૦૫-૦૩-૨૦૨૫

દીકરી ચાલી પોતાને સાસરે

દીકરી ચાલી પોતાને સાસરે

મને રેડિયો સાંભળવાનો બહુ શોખ. કાલે આકાશવાણી અમદાવાદના ઓનલાઈન રેડિયો પ્રસારણમાં એક હૃદયસ્પર્શી ગુજરાતી રચના સાંભળવા મળી. મારે બહેન નથી તેમજ દીકરી પણ નથી. તેમ છતાં એક બાપના સ્થાને મને પોતાને રાખીને આ રચના સાંભળીને આંખ ભીની થઇ ગઇ.

સુરેશ દલાલની અદભુત રચનાને પુરુષોત્તમ ઉપાધ્યાયના હ્ર્દયસ્પર્શી કંઠે આપ પણ સાંભળો.

આ સાંભળીને આપને શું થયું? આપનો અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો.

નીચે પ્લે બટન  (આડુ ત્રિકોણ) પર ક્લિક કરીને સાંભળો.

 

દીકરી ચાલી પોતાને સાસરે;
મૂકી માબાપ ભાઈને આશરે.

હવે માંડવો કેવો આ સૂમસામ છે
એનો સૂનકાર ઠેઠ ઘરે પહોંચશે.
દીકરી ગુંજતી ઘરની દીવાલો;
થશે મૂંગી:ને મૌન એનું ખૂંચશે.
ઠામઠેકાણું મળ્યું એની હાશ રે:
પણ આસુંઓ છલકશે ઉદાસ રે..

પંખી ટહુકા મૂકીને ઝાડ છોડી ગયું
એના ગમતા આકાશ પાસે દોડી ગયું
જાણે શ્વાસથી છૂટી પડ્યો શ્વાસ રે
દીકરી ચાલી પોતાના સાસરે.

સંબંધિત પોસ્ટ : દીકરી: સરવાળાની માવજત

જીવન છેવટે લાગણીઓનો ખેલ છે

જીવન છેવટે લાગણીઓનો ખેલ છે

માણસની ઉંમર ગમે તે થાય એની સંવેદના અને લાગણીઓ તો મૃત્યુ સાથે જ સમેટાતી હોય છે. જેમ બાળક કોઈ પોતાની નોંધ લે તે માટે મથે છે તે જ રીતે વૃદ્ધોને પણ કોઈ એમની સાથે વાત કરે, કોઈ એમની સલાહ લે, કોઈ એમને પોરસાવે તે ગમે છે.

વૃદ્ધ એ પાયો તૂટી ગયેલી ખુરશી અથવા ટેબલ નથી. નથી એ જળી ગયેલું ખમીસ. વૃદ્ધને ઘસાઈ ગયેલો સિક્કો કે ફાટી ગયેલી નોટ માની અને એને ચલણમાંથી કે વપરાશમાંથી કાઢી નાંખવું એ વૃદ્ધત્વનું અપમાન છે.

ઘરમાં કોઈ પ્રસંગ ઊજવાતો હોય કે બાળકના જન્મદિનની કેક કપાતી હોય, ટેલિવિઝન પર મેચ ચાલતી હોય કે કોઈ મોટા માણસ ઘરે આવ્યા હોય. વૃદ્ધની આંખમાં પણ આ પળ માણવાની, બધાંની સાથે બેસવાની, દીકરાના દીકરાને માથે હાથ ફેરવવાની, એને વ્હાલભરી ચૂમી ભરવાની, ક્રિકેટની મેચમાં રસ હોય તો સ્કોર જાણવાની અને કોઈ વિશિષ્ટ વ્યક્તિ ઘરે આવ્યું હોય તો ઘરના મોભી તરીકે બે શબ્દોની આપ-લે કરવાની ઉત્કંઠા હોય છે.

ઘણી બધી જગ્યાએ મેં જોયું છે. ઘરના વડીલ માટે નવાં કપડાં લેવાનાં હોય તો પહેલો હિસાબ મૂકાય. આટલાં બધાં કપડાં અને હવે આ ઉંમરે શું કરવા છે? કોઈ વળી કહે કે આ ઉંમરે વળી બહાર જમવાના ચટાકા કરીને શું કામ છે? આ ઉંમરે કોઈકનાં લગ્નમાં તમારે શું જવું છે? અરે! આ ઉંમરે એટલે? કેમ આ વૃદ્ધ આવતીકાલે ટપકી જવાના છે અને તમે અમરપટો લખાવીને આવ્યાં છો?

ચીરયૌવનનું વરદાન લઈને આવ્યાં છો? આવા સમયે એક નિઃસહાયતાનો અહેસાસ મેં બે જ જગ્યાએ જોયો છે. એક આ પ્રકારનું વર્તન થતું હોય ત્યાં વૃદ્ધ કે વૃદ્ધાની આંખમાં અને બીજો બાખડી થઈ ગયેલી અને એટલે માલિકે તગડી મૂકેલી ગાયની આંખમાં. આવી ગાયને રોટલી ખવડાવીએ તો એ પણ ડોક ઊંચી કરીને હાથથી પંપાળવા કહે છે. મૂંગા પશુને પણ વ્હાલ જોઈએ છે તો આ તો માણસ છે. માની લઈએ સૌ પોતપોતાનાં કામમાં વ્યસ્ત છે પણ આખા દિવસમાં દસ મિનિટ પણ ન નીકળી શકે?

ક્યાંક બીજું જોવા મળે છે. એમાં પેલો ‘દોઢ વાંક વગર પ્રશ્ન ઊભો થતો નથી’ એ સિદ્ધાંત કામ કરે છે. પેલા વૃદ્ધ કે વૃદ્ધાને હજુ પણ બધું જ પોતાને પૂછાય અને બધું જ પોતાની જાણમાં હોય એનો અભરખો છે. ધૂળ જેવી વાત હોય તોય ‘મને તો ખબર જ નથી ને’ અને ખોટું લાગી જાય!

અરે ભાઈ, હવે ધીરે ધીરે આપણે આ વૃત્તિ છોડી રહ્યાં છીએ ત્યારે હજુય મને ખબર જ નથી કહીને ખોટું શું કરવા લગાડવું. બીજી બાજુ ઔપચારિક વાત હોય અને પ્રશ્ન પૂછાય તો પણ દીકરો જવાબ ના આપે. ઉલટાનું ઘુરકિયું કરે ‘તમારે બધી પંચાત કરીને શું કામ છે?’

આ પ્રકારની વૃત્તિમાં એક વૃદ્ધે પોતાના દીકરાને કઈ રીતે સબક શીખવાડ્યો એની વાત મારી મા પાસેથી સાંભળેલી. એક વેપારી હતા. નામું લખ્યા કરે અને પાસે બેઠેલો દીકરો સામેના ઘરના છાપરે બેઠેલો કાગડો બાપાને બતાવીને કહે ‘બાપા કાગડો.’ સામે બાપા જવાબ આપે ‘હા બેટા, કાગડો.’ આવું કેટલીય વાર બોલાય અને બાપા જવાબ આપ્યા કરે.

એમ કરતા દીકરો મોટો થયો. એક દિવસ એણે પેલા શેઠના કોઈક પ્રશ્નનો ખિજાઈને જવાબ આપ્યો. શેઠ સમસમી ગયા. એમણે દીકરાને કહ્યું ‘ભાઈ! મારું એક નાનું કામ કર ને.’ બાપાએ સામે અભરાઈ પરથી સંઘરી રાખેલ વીસ-પચ્ચીસ વરસ પહેલાંની ખાતાવહીઓ ઉતરાવી. દીકરાને પણ નવાઈ લાગી.

વેપારીએ કહ્યું, ‘બેટા! આ ખાતાવહી જરા ખોલો અને વાંચો.’ દીકરાએ વચ્ચેનું પાનું ખોલ્યું અને આશ્ચર્યમાં પડી ગયો. દર ચોથી લીટીમાં લખ્યું હતું: ‘હા બેટા, કાગડો.’ એના પિતાએ કહ્યું, ‘ભાઈ! તું નાનો હતો ને ત્યારે આ જે કંઈ કાલાઘેલા પ્રશ્નો તું પૂછે તેનો જવાબ કામમાં વ્યસ્ત હોવા છતાં આપવાની રમત હું રમ્યો છું. તને આ એક પ્રશ્નમાં ગુસ્સો આવી ગયો? આટલી ઓછી ધીરજ?’

પેલા દીકરાને એની ભૂલ સમજાઈ અને એણે માફી માંગી.

આ ‘બાપા કાગડો’ અને જવાબમાં ‘હા બેટા, કાગડો’વાળી રમત આપણાં બધાંનાં જીવનમાં રમાય છે. એ વખતે પિતાની ધીરજ હોય છે. આજે પિતા વૃદ્ધ છે, એને કોઈ નાનોમોટો પ્રશ્ન હોય તો જવાબ આપવા જેટલું સૌજન્ય દર્શાવીને એની લાગણીને પંપાળી ન શકાય?

જીવન છેવટે લાગણીઓનો ખેલ છે.

બાળકને બાળકની લાગણી છે, યુવાનને યુવાનની લાગણી છે.

વૃદ્ધને વૃદ્ધની લાગણી છે, લાગણી એ જ જીવન છે.

એ લાગણીઓને સમજી, સંકોરી, પંપાળી, પ્રેમથી ન જીવી શકાય?

જો આવું થાય તો? ઘરમાં વૃદ્ધને ક્યારેય અકારું નહીં લાગે. આવા ઘરમાં વૃદ્ધ ક્યારેય એવું કહેતો નહીં સંભળાય કે ‘હવે તો ભગવાન લઈ લે તો સારું.’ વૃદ્ધત્વને જીવનનો એક ઉત્સવ બનાવવામાં ફાળો આપવા જેટલી મોટી યાત્રા બીજી કોઈ હોઈ શકે ખરી? કદાચ એટલે જ આપણે શ્રવણને યાદ કરીને વંદન કરીએ છીએ.

ડૉ. જય નારાયણ વ્યાસ

(“દિવ્ય ભાસ્કર” ની તા.૨૦/૧૨/૨૦૨૩ ની પૂર્તિ “કળશ” માંથી સાભાર)

જીવન સર્જવાનું હોય છે

જીવન સર્જવાનું હોય છે

શાહરૂખ ખાનની છેલ્લી બે ફિલ્મો, પઠાણ અને જવાન, જેમાં તે દેશની સમસ્યાઓ સાથે ઝઝૂમતા નાયકની ભૂમિકાઓ કરે છે, અને ગેરકાયદે અમેરિકા-કેનેડામાં ઘૂસતા ભારતીયો પર રાજૂ હિરાણીની અગામી ‘ડંકી’ની પસંદગી પરથી એક બાબત શીખવા જેવી છે કે માણસે નિયમિતપણે પોતાની જાતને નવેસરથી આકાર આપતા રહેવું જોઈએ. જે લોકો લાંબા સમય સુધી એકધાર્યું એકનું એક કામ કરીને તેમાં બોર થઇ જાય છે, એ લોકોનું પતન ઝડપથી થાય છે. શોહરત અને સમૃદ્ધિ આવી જાય પછી પણ 57 વર્ષે પોતાના કામમાં એટલી જ ઉર્જા અને ઉત્સાહ સાથે સક્રિય અને અને સફળ રહેવું એટલું સહેલું નથી હોતું.

“હવે બહુ થયું” એવો ભાવ આવી જવો સહજ છે. ઘણાના જીવનમાં આવી જાય છે. તેવા સંજોગોમાં, જાતને નવેસરથી ઘડવી એ અત્યંત કુનેહ માગી લે છે. અંગ્રેજીમાં એક શબ્દ છે, Reinventing; અંગત કે વ્યવસાયિક આઇડેન્ટિટી અથવા જીવનશૈલીના સંદર્ભમાં જીવનમાં નોંધપાત્ર બદલાવ લાવવો તેનું નામ રીઈન્વેન્શન.

તેમાં નવી પરિસ્થિતિઓ, પડકારો, આકાંક્ષાઓના જવાબમાં ખુદને બદલાવ અને સુધાર માટે હેતુપૂર્વકના સક્રિય પ્રયાસો હોય છે. રીઈન્વેન્શનમાં ખુદને નવા ભવિષ્ય માટે તૈયાર કરવાનું અને સંતોષકારક તેમજ સાર્થક જીવન સર્જવાનું હોય છે.

જીવન જીવવાનું નથી હોતું, એ તો પ્રાણીઓ પણ કરે, જીવન સર્જવાનું હોય છે.

– રાજ ગોસ્વામી

શું તમને કોઈ વ્યસન છે? તો આ વાંચો પછી વ્યસન ચાલુ રાખો.

શું તમને કોઈ વ્યસન છે? તો આ વાંચો પછી વ્યસન ચાલુ રાખો.

ઝાયડસ કેન્સર હોસ્પિટલના રૂમ નંબર-૨૦૨ માં સુતેલા મિત્રએ આંખો ખોલી મારી સામુ જોતાંવેંત ‘છોકરાઓનુ ધ્યાન રાખજે’ એવું બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મોઢા ઉપરનુ લૂગડું હટાવી રડતાં રડતાં બોલ્યો: હવે પાડી લે ફોટા અને ફેસબુક ઉપર ચડાવી, મારા નામ સાથે મનફાવે એવી પોસ્ટ લખી નાંખ…! ફોટા પાડીને એની ઓળખ છતી કરતા મારો જીવ ના ચાલ્યો. ગઈકાલે ડાક્ટરોએ એના મોઢાનુ ઓપરેશન કરી નીચેનુ ઝડબુ કાઢી નાખ્યું. છેલ્લા આઠ દસ વરસથી હુ એની પાછળ આદુ ખાઈને મંડી પડ્યો હતો કે તુ માવા મૂકી દે…હું તને બેસણાના ફોટામાં ભાળું છું, ફોટાની બાજુમાં મુંડન કરેલા તારા નાના દીકરાને હીબકા ભરતો જોઉં છું, ખોળામાં બેઠેલી નાની એવી માસુમ દીકરી સાથે તારી પત્ની જે આવે એને મળીને પોક મૂકી રડી પડે છે એવું દ્રશ્ય મને દેખાય છે, પ્લીઝ…માવા મૂકી દે…🙏 પણ એ ક્યારેય માન્યો જ નહી. ‘માવા નથી ખાતા એનેય કેન્સર થાય છે અને માંડી હશે તો સવારની સાંજ પણ નહીં થાય’ એવા ઉડાવ જવાબ સાથે મારી વિનંતીને કાયમ ફગાવી દેતો આજે હોસ્પિટલના ખાટલે સૂતો એ પેટ ભરીને પસ્તાય છે.

આવી મોટી કેન્સર હોસ્પિટલ, ત્રણ ચાર નિષ્ણાત ડાક્ટરોની ટીમ, પુરા પરિવારનો જીવ અધ્ધર અને ચાર કલાકના ઓપરેશન પછી એનુ આખુ ઝડબુ કાઢી નાંખ્યુ. ઝડબાનો ખાડો પુરવા પગની પિંડી કાઢી મોઢામાં ફીટ કરી, શરીરના જુદા જુદા ભાગેથી ચામડી કાઢીને મોઢે લગાડી, રૂઝ આવશે પછી રેડિયેશન થેરાપીના શેક લેવા પડશે. રેડીયેશનની અસહ્ય ગરમી લાગશે એટલે ખોરાક લેવાશે નહી, મોઢું કાળું મેશ થઈ બધા વાળ ખરી જશે. કાયમી ટીકડા ગળવાના એ તો વધારાનું…જ્યાં સુધી જિંદગી રહેશે ત્યાં સુધી મોઢે ગળણી મૂકી ત્રણ ટાઈમ પ્રવાહી ખોરાક રેડી જીવન ગુજારવું પડશે અને સમાજમા શરમ સંકોચ સાથે અર્ધું મોઢું ઢાંકીને ફરવુ પડશે.

આમ છ સાત લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ કંઈ નક્કી નથી કે કેન્સર મટી જશે કે આગળ વધશે અને ફરી આવુ કરવું પડશે કે જીવલેણ નીવડશે..?
કપાળે હાથ મૂકી મે સાંત્વના આપતા કહયુ કે જે થયુ તે…ભગવાન જલદી સારુ કરી દેશે. બાજુમાં ઊભેલી એની પત્ની પણ રડતી રડતી બોલી કે તમારા ભાઈને સારુ થઈ જાય એના માટે જ્યાં સુધી મારા પગ સાથ દેશે ત્યાં સુધી બાપુનગર થી જેતલપુર ઊઘાડા પગે ચાલીને પૂનમ ભરવાની મે બાધા લીધી છે. હુ પોતે ધાર્મિક છુ એટલે રેવતી બળદેવજીની પૂનમ ભરવી એ ઈશ્વર પ્રત્યેની સારી શ્રધ્ધા માનું છું, પરંતુ અહિંયા હુ આ શ્રદ્ધાને પતિનાં કર્મોની પત્નીને મળેલી સજા માનુ છું. આપણી જીભના સ્વાદ કે મનનાં આનંદ માટે પરિવારને આવી સજા શું કામ..? નાનપણમાં એ જ સ્ત્રીએ સારો વર પામવાના શમણા સાથે કેટલાય વ્રત ઉપવાસ કર્યા, લગ્નમંડપમાં કેટલાય પાસેથી ‘અખંડ સૌભાગ્ય વતી’ ના આશીર્વાદ માંગ્યા અને તમે એને આમ સંસાર મારગે અધવચ્ચેથી રઝળતી મૂકી ચાલ્યા જાવ…? વ્યસન મૂકવા થોડુ તો વિચારીએ…!

અમદાવાદમાં મારા આંબરડીના અને સગા સ્નેહીઓના દવાખાના માટે દોડવું એવી મે નેમ લીધેલી છે. વરસ દરમિયાન જુદા જુદા ઘણા બધા રોગના દર્દીઓ સાથે હોસ્પિટલમાં જવાનું થાય છે, એમાં વરસે સરેરાશ મોઢાના કેન્સરના એકાદ બે દર્દી મારા ભાગમાં આવે છે અને એ પણ સુરતથી વધારે આવે છે. જેવું કેન્સરનુ નિદાન થાય કે જણ ભડભાદર હોય તો પણ ધ્રુજી જાય છે અને પુરો પરિવાર નાણાકીય ચિંતા સાથે સ્વજન ગુમાવવાની ચિંતામાં આવી જતો હોય છે. આટલા વરસથી મોઢાના કેન્સરના દર્દી સાથે ફરું છું પરંતુ હજુ સુધી મે આવા દર્દીઓનું લાંબુ ભવિષ્ય નથી જોયુ. માવા ખાનાર કે બીડી સિગારેટનું વ્યસન ધરાવતા વ્યક્તિઓ પરિવારનું ભલું ભૂલી જઈને હમેશા પોતાના મોજશોખ કે આનંદનું જ વિચારતા હોય છે, જે ખુબ જ દુ:ખદ છે. પરિવારનો કર્તાહર્તા ગેરહાજર થાય પછી પત્ની અને બાળકોની સ્થિતિ બહુ જ દયામણી હોય છે એનો હુ સાક્ષી છું. બેસણામાં આવનારા સગાં સંબંધી ‘અમે તમારી સાથે જ છીએ’ એવી ઘડી બેઘડી સાંત્વના આપી નીકળી જતા હોય છે, પછી કોઈ ડોકીયુંય દેતું નથી હોતું. નાના નાના બાળકો હોય એટલે સ્ત્રીને નાની ઉંમર હોવા છતાં બીજું ઘર માંડવામાં પણ ઘણી મુશ્કેલીઓ નડતી હોય છે અને આખી જિંદગી ઓશિયાળું થઈને જીવન ગુજારવું પડતુ હોય છે.

જે મિત્રોને કંઈપણ વ્યસન છે એની હુ ક્યારેય ટીકા નથી કરતો, પરંતુ એમને જિંદગીનું મૂલ્ય સમજાવી છોડાવવા સતત પ્રયત્ન કરતો હોઉં છું. મારા જન્મદિવસે પણ માવા ખાતા મિત્રો તરફથી વ્યસનની ભેટની અપેક્ષા રહેતી હોય છે, ઘણા મિત્રો આપી દેય છે પરંતુ થોડો સમય જતા વળી પાછું ચાલુ કરી દેતા હોય છે. વ્યસન ધરાવતા મિત્રો ક્યારેક મારી સાથે આવા કોઈ દર્દી પાસે આવો તો ખ્યાલ આવે કે કેન્સર પછીની પીડા કેટલી અસહ્ય હોય છે. ગઈકાલે આ ભાઈબંધનું ઓપરેશન કરીને જુદુ પાડેલું ઝડબુ તેમજ કાપકૂપ કરેલા શરીરના જુદા જુદા ભાગ જોઈને મન સાવ વિચલિત થઈ ગયુ છે. જમવા ટાણે એ દ્રશ્ય સામે આવે છે તો જમવાનુ પણ બગડે છે. જેને વ્યસન નથી એવા મિત્રોને આવા ફોટા બતાવું તો એ પણ વિચલિત થઈ જાય એ સારું ફોટા અહિંયા મૂકતો નથી.

ખરેખર મિત્રો..! જિંદગીમાં ખાવા જેવું બીજું ઘણું બધુ છે. તમારી જિંદગી, તમારા માસુમ બાળકો અને તમારા પરિવારની ચિંતા કરી તમાકુ, માવા કે અન્ય જીવલેણ વસ્તુઓનુ વ્યસન હોય તો છોડી દયો…પ્લીઝ..🙏

ગઈકાલના ઓપરેશનની દોડાદોડી પછી અત્યારે હોસ્પિટલના કંપાઉન્ડમાં આવીને મન શાંત કરવા ઝાડ નીચે બાંકડા ઉપર બેઠો. અત્યાર સુધી કેન્સરના ઘણા ઓપરેશન જોયા છે, પણ આવુ બિહામણું ઓપરેશ આ વખતે પહેલી વાર જોયુ. ક્યારેક ક્યારેક બે હાથે માથુ પકડી પેલું લોહી નીતરતું ઝડબાવાળુ દ્રશ્ય ભૂલવા મથું છું, પણ કોઈ વાતે ભુલાતું નથી. અત્યારે ઊભો થઈને બાજુમાં પાનના ગલ્લે પાણીની બોટલ લેવા આવ્યો ત્યાં કાઉન્ટર ઉપર પગ લૂછણીયા જેવું આ પેડ નજરે ચડ્યું. આ એ જ પેડ છે જે તમારા માવા નથી ચોળતું, પણ તમારી મૂલ્યવાન જિંદગીને ચોળે છે. મોઢાના કેન્સરવાળા કેટલાય દર્દી સાથે હોસ્પિટલોમાં રખડી રખડીને નજર સામેના અનુભવ સાથે માવા ખાતા મારા તમામ ભાઈબંધોને બે હાથ જોડી તમને વિનંતી કરુ છું કે માવા, તમાકુ કે સિગારેટનું વ્યસન હોય તો મૂકી દયો…પ્લીઝ….🙏
😞😔😞

હું ઘણા મિત્રોને કહી ને થાક્યો છું એમને ટેગ કરવા જતો હતો પણ વિચાર આવ્યો એમને એમના પરિવાર સામે ખુલ્લા નથી પાડવા એટલે નથી કરી રહ્યો પણ મિત્રો આ પોસ્ટ વાંચીને તમે જો વ્યસન છોડતા હોવ તો મને એક મેસેજ જરૂર કરજો.

– Nikunj Patel

સરકાર – ચંદ્રકાંત બક્ષી

સરકાર – ચંદ્રકાંત બક્ષી

સરકારને કરોડ મોઢાં હોય છે

પણ એક આત્મા હોતો નથી

સરકાર અવાજની માલિક છે

સરકાર વિચાર કરાવી શકે છે

સરકાર લેખકને લખાવી શકે છે

જાદૂગરને રડાવી શકે છે

ચિત્રકારને ચિતરાવી શકે છે

ગાયકને ગવડાવી શકે છે

કલાકારને કળા કરાવી શકે છે

એક હાથે તાળી પડાવી શકે છે

રવિવારને સોમવાર બનાવી શકે છે

નવી પેઢીને જૂની કરી શકે છે

જૂનીને પૈસાદાર બનાવી શકે છે

પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે

વીજળી વેચી શકે છે

ઈતિહાસ દાટી શકે છે

અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે

સરકારોની ભાગીદારીમાં આ પૃથ્વી ફરે છે

સમય ફરે છે, માણસ ફરે છે

યંત્ર ફરે છે, મંત્ર ફરે છે

પણ, એક દિવસ ……

એક દિવસ ગરીબની આંખ ફરે છે

અને પછી, સરકાર ફરે છે.

– ચંદ્રકાંત બક્ષી

⇓ ⇓ આ રચના ઓડિયો સ્વરૂપે પત્રકાર દેવાંશી જોશીના અવાજમાં સાંભળો ⇓ ⇓

વાહનના ટાયર અંગે આ જાણો છો ?

વાહનના ટાયર અંગે આ જાણો છો ?

ઉનાળો આવી ગયો છે. કાળઝાળ ગરમીની સાથે ઉનાળામાં ટાયર ફાટવાની સંભાવના પણ વધી જાય છે. આ સમસ્યાને ઉકેલવા માટે આપણે પહેલા તેને સમજવી જોઈએ. ટાયર ફાટવાથી બચવા શું કરી શકાય અને તેને કેવી રીતે હેન્ડલ કરવું તે અંગે અહીં એક ટૂંકી માર્ગદર્શિકા છે.

ટાયર ફેલ થવાનું સૌથી મોટું કારણ ખોટું દબાણ છે. લોકપ્રિય માન્યતાથી વિપરીત, અંડરફ્લેશન (ઓછી હવા) ઓવરફ્લેશન (વધુ હવા) કરતાં વધુ ટાયર ફાટવા તરફ દોરી જાય છે. અંડરફ્લેશન ટાયરનો જમીન સાથે સંપર્ક વિસ્તાર વધારે છે અને ઘર્ષણ વધારે છે. આ વધુ ઘર્ષણના પરિણામે ઉત્પન્ન થતું ઊંચુ તાપમાન ટાયરને નબળું પાડે છે.

કાર ઉત્પાદક કંપની દ્વારા નિર્દિષ્ટ કર્યા મુજબ હંમેશા ટાયરનું દબાણ તપાસો અને જાળવો. પરંતુ યાદ રાખો કે આ દબાણ ‘કોલ્ડ ટાયર’ માટે તપાસવાનું છે. એટલે કે જ્યારે ટાયર લાંબા અંતર સુધી ન ચાલ્યું હોય. અહી “લાંબુ અંતર” એટલે બે-ત્રણ કિમીથી વધુ. તેથી ગરમ/ચાલતા ટાયરના દબાણને માપશો નહીં.

ટાયર પ્રેસર ગેજ ખરીદવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

Tyre Pressure Gauge

દર બે અઠવાડિયે ટાયરનું દબાણ તપાસવાની ભલામણ કરવામાં આવે છે. ટાયરના દબાણને મોનિટર કરવા માટે હેન્ડહેલ્ડ પ્રેશર ગેજ અથવા ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) નો ઉપયોગ કરો. પેટ્રોલ પંપ પર ટાયર પ્રેશર ગેજ સારી રીતે માપાંકિત નથી અને રીડિંગ ખોટું હોઈ શકે છે.

ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)  એમેઝોન પરથી ખરીદવા નીચેની લિન્ક પર ક્લિક કરો

Tyre Pressure Monitoring System

ટાયરની ઝડપ મર્યાદા અથવા ‘સ્પીડ રેટિંગ’ હોય છે. જે ટાયર પરના અક્ષરનો ઉપયોગ કરીને સૂચવવામાં આવે છે. આ સ્પીડની નજીક વધુ સમય સુધી વાહન ચલાવવાથી ટાયર બગડી શકે છે. નીચેનો ચાર્ટ દરેક રેટિંગ અક્ષર માટે મહત્તમ ઝડપ સમજાવે છે. સ્પીડ રેટિંગ કરતાં 75% અથવા નીચેની ઝડપ જાળવી રાખો.

અપૂરતું પ્રેશર અને સ્પીડિંગ ઉપરાંત, ટાયર ફાટવાનું મુખ્ય કારણ ઘસાઈ ગયેલું અથવા જૂના ટાયર છે. ખાસ કરીને બાજુની દીવાલો પરનો ઘસારો.  આ નુકસાન અથવા ઘસારો જોવા માટે નિયમિત ટાયરની તપાસ કરો. દર પાંચ વર્ષે અથવા 30,000 km આ બેમાંથી જે વહેલું પૂર્ણ થાય ત્યારે ટાયર બદલો.

વ્યાજબી ભાવે ઓનલાઈન ટાયર ખરીદવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

Buy Car Tyres

ઉનાળામાં ટાયર ફાટવા માટે ઘણીવાર કોંક્રિટને જવાબદાર ગણવામાં આવે છે. જો કે, કોંક્રિટ સામાન્ય રીતે ડામર કરતાં ઠંડુ હોય છે. ટાયર ફાટવું કોંક્રીટ પર વધુ જોવા મળે છે કારણ કે કોંક્રીટ ડામર કરતા વધારે ઘર્ષણ બનાવે છે જે ટાયરને ગરમ કરે છે. ઝડપ ઘટાડવાથી કોંક્રિટના રસ્તાઓ પર ટાયર ફાટવાની ઘટના ઘટશે.

રેસિંગ અથવા વિમાન ઉડાવવા સિવાય, ટાયરમાં નાઇટ્રોજન ન્યૂનતમ લાભ આપે છે. હા, નાઈટ્રોજનથી ભરેલા ટાયરમાં તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના ઓછી હોય છે પરંતુ તે ગેસને કારણે નથી. નાઈટ્રોજનથી ભરેલા ટાયરમાં સામાન્ય હવા કરતાં ઓછી પાણીની વરાળ હોય છે. આનાથી ટાયરની ગરમીનું વિસ્તરણ ઘટે છે.

ટાયરમાં હવા ભરવાના ઓટોમેટીક પંપ ખરીદવા નીચેની લિન્ક પર ક્લિક કરો

Buy Tyre Inflators

નાઇટ્રોજનથી ભરેલા ટાયર હવાથી ભરેલા ટાયર પર માત્ર ત્યારે જ લાભ આપશે જો સમગ્ર નાઇટ્રોજન ભરવાની પ્રક્રિયા પાણીની વરાળથી વંચિત હોય. મોટાભાગના નાઈટ્રોજન-ફિલિંગ સ્ટેશનો વરાળને દૂર કરી શકતા નથી. નાઇટ્રોજનનો ઉપયોગ કરવો એના કરતાં પૂરતું દબાણ રાખવું અને જૂના ટાયરને બદલવું એ વધુ સુરક્ષિત છે.

કાર સેફટી એસેસરીઝ ખરીદવા નીચેની લિન્ક પર ક્લિક કરો

Car Safety Accessories

જો તમે ટાયર ફાટવાનો અનુભવ કરો છો તો ગભરાશો નહી. ટાયર પોતે જ ફાટવાથી ક્યારેય ક્રેશ થશે નહીં. આપણે કેવી રીતે પ્રતિક્રિયા આપીએ છીએ તે વધુ મહત્વનું છે. જોરથી બ્રેક ન લગાવો અથવા એકદમ સ્ટીયરિંગ ન ફેરવો. એન્જિન બ્રેકિંગનો ઉપયોગ કરીને વાહનને ધીમે-ધીમે રોડ કિનારે સ્ટોપ કરો.

⇒ આ માર્ગદર્શિકા આપને કેવી લાગી તે અંગે નીચે કોમેન્ટ જરૂર કરજો.

તને ચાહવામાં

તને ચાહવામાં

તને ચાહવામાં કશું ખોઈ બેઠા,
હતા બે જ આંસુ અને રોઈ બેઠા.

કર્યું વ્હાલથી મેશનું  તેં જે ટપકું,
અમે ડાઘ માની એને ધોઈ બેઠા.

ઉભા રો’ હું આવું છું કીધું હશે તેં,
બધા વૃક્ષ ઉભા નથી કોઈ બેઠા.

બધા લોક મંદિર ને મસ્જિદમાં દોડયાને,
અમે આ ગઝલમાં તને જોઈ બેઠા.

સમય પણ તે આપી દીધો તો મિલનનો,
અમે એજ ટાણે સમય ખોઈ બેઠા.

મુકેશ જોશી

ભીનું હૃદય

ભીનું હૃદય

કોરી આંખોમાં
રહી રહી નીતરે
ભીનું હૃદય
( પુરુષ )

કોરું હૃદય
રહી રહી નીતરે
ભીની આંખોએ
( સ્ત્રી )

– સાજમીન બાદી